SELF / स्वयं

સલાહ

સલાહ, શિખામણ.

આ એવા શબ્દો છે કે જેના વિષે બહુ બધું લખાઈ ચૂક્યું છે, જેમ કે એ આપવી જ ગમે લેવી ના ગમે વગેરે વગેરે…. અને એ ખોટું પણ નથી. પણ આજે હું મારા અનુભવ (જોયેલું, કરેલું અને અનુભવેલું) શેર કરવા માટે આ લખું છું, જરૂરી નથી કે એ તમને પણ યોગ્ય લાગે.

તમે વનવાસ માં રહો તો જ એવો દિવસ જોવા મળશે જયારે તમને સલાહ ના મળે, બાકી કોઈ એક દિવસ એવો પસાર ના થાય જેમાં સલાહ ના મળે. પછી ચાહે એ ધાર્મિક ગુરુઓ ની હોય, ઓફિસ ના બોસ ની હોય, કોઈ મોટિવેશનલ સ્પીકર ની હોય, મિત્રો ની હોય, કે પછી ચાહે આપણા ઘરના ની હોય.

  • સલાહ તમને તમારા ખરાબ સમય માં વધુ સાંભળવા મળશે.
  • જયારે સહકાર ની જરૂર હોય ત્યારે સહકારની બદલે સલાહ મળશે.
  • સલાહ તમને તમારાથી ઓછી ક્ષમતા વાળા વધુ આપશે.
  • સલાહ આપ્યા પછી બધા એક વાત ખાસ કહેશે : “અમે તો અમારા અનુભવ પર થી તને કહ્યું, હવે તારે શું કરવું એ તું જાતે નક્કી કર.” (ત્યારે મન માં એમ થાય કે ટણપાં ….. મારુ મગજ અત્યારે કામ કરતું  હોત કે મને કોઈ વાત મગજમાં બેસતી હોત તો હું તારી પાસે થોડો આવું?

હું પણ માનું છું કે સલાહ ની જરૂર બધાને પડતી જ હોય છે, પણ કામ ની સલાહ બહુંજ  ઓછા લોકો આપતા હોય છે. બીમારી માં ડોક્ટર ની સલાહ જ સર્વોપરી હોય, પણ આપણે ત્યાં ખબર કાઢવા આવવા વાળા ડોક્ટર કરતા વધુ સલાહ આપે, ત્યારે એમ થાય કે આ ખબર કાઢવા આવ્યા છે કે સલાહ આપવા?

તમે જે પરિસ્થિતિમાં હોવ અને એનો કોઈને અનુભવ ના હોય અને એ, એ બાબત ની સલાહ આપે ત્યારે એ ક્યારેય ના માનવી. જેમકે નોકરિયાત માણસ ધંધો કેમ કરવો એ બાબત ની સલાહ આપે તો અવગણવી સારી એને. એવું જ ઉલટું, ધંધાદારી માણસ નોકરિયાત ને ના સમજી શકે. નોકરી કરવા વાળા ને જ ખબર હોય કે નોકરી કરવા માં સ્વાભિમાન જાળવવું કેટલું અઘરું હોય છે.

સલાહ કે શિખામણ બાબત ની એક ખૂબ  સરસ વાત એક વેબ સિરીઝ માં સાંભળવા મળી હતી, કોટા ફેક્ટરી માં. તમે જયારે પણ કોઈ બાબતે અવઢવમાં હોવ ત્યારે તમારા માતા-પિતાની સલાહ લેવી જોઈએ, તેમનો નિર્ણય ખોટો હોય શકે પણ તેમની સલાહ કોઈ દિવસ ખોટી ના હોય, કારણકે એમાં એમનો કોઈ સ્વાર્થ ના હોય, એ તમારું સારું વિચારી ને જ સલાહ આપશે.

અંત માં એટલું જ કહીશ કે કોઈની સલાહ થી રસ્તો તો જરૂર મળશે પણ મંઝિલ તો પોતાની મહેનત થી જ મળશે.

-ચેતન ઠકરાર

Advertisements

4 replies »

Leave a Reply