SHORT STORIES / लघु-कथाए

ગાંડો

એક સુંદર ગામ હતું પર્વતોની વચ્ચે, નદીઓ, ખેતરો, મંદિરો. ટુરિસ્ટો એના નજરા જોવા આવતા, પણ એ બધા ઉપરાંત ત્યાંના લોકલ ગાઈડ એક જગ્યાએ અચૂક યાત્રાળુઓને લઇ જતા. એ જગ્યામાં જોવા જેવું ખાસ કંઈ ન હોતું, પણ ત્યાં એક જોવા જેવો માણસ હતો, ગાંડો માણસ. ઘણીવાર પ્રકૃતિના દ્રશ્યો કરતાં પાત્રો વધુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ઝૂંપડપટ્ટીની દારુણ ગરીબી વચ્ચે પણ કોઈ સુંદર છોકરી નીરખવા લાયક દ્રશ્ય બની જતી હોય છે.

હાં, તો પેલા ગામમાં એક ચોકમાં ગાંડો પણ એવુંજ ટુરિસ્ટ આકર્ષણ બનેલો. લોકલ માણસો ટુરીસ્ટોને કહેતા:”જુઓ, એક મજા દેખાડીએ. તમે દસ રૂપિયાની નોટ જમીન પર ફેંકો અને પછી એક રૂપિયાનો સિક્કો પણ થોડે દૂર ફેંકો.” પછી ટુરિસ્ટ એ જ રીતે 10 ની નોટ અને રૂપિયાનો સિક્કો ફેંકે. થોડીવારે ગાંડો આવે અને રૂપિયાનો સિક્કો ઉપાડે અને તાળી પાડતો પાડતો જતો રહે. આ સીન જોઈને સૌ હસે. ગાંડો વધારે હસે. ટુરિસ્ટ ફરીથી એ જ રીતે 10 ની નોટ અને રૂપિયાનો સિક્કો ફેંકે.ગાંડો ફરીથી રૂપિયાનો સિક્કો જ ઉપાડે અને ત્યાંથી રાજી થઈને જતો રહે. એ ગાંડાની મૂર્ખતા લોકો માટે મનોરંજન!

રોજેરોજ આની મશ્કરી થાય. એકવાર એક ટુરીસ્ટને થોડું દુઃખ થયું. બધાં વિખરાઈ ગયા પછી એણે પેલા પાગલનો પીછો કર્યો. પાગલ ભાગ્યો, ટુરિસ્ટ જેમ-તેમ પકડ્યો અને પૂછ્યું “ભાઈ, તને દસ ની નોટને બદલે રૂપિયાનો સિક્કો લેવાનું કેમ ગમે છે? 10 રૂપિયામાં દસ સિક્કા છુપાયેલા છે, બીજીવાર કોઈ આવું કરે તો 10 ની નોટ જ ઉપડજે, તને ફાયદો થશે!”

પેલા ગાંડાએ હસીને કહ્યું : ” સર, મને નુકસાન થશે.”

ટુરિસ્ટે કારણ પૂછ્યું.

ગાંડાએ કહ્યું : “જે દિવસે હું દસ રૂપિયાની નોટ ઉપાડીશ એ દિવસે હું ગાંડો નહિ રહું, લોકો મને પકડી લેશે, રોજ રોજ જે એક-એક રૂપિયો મળે છે એ પણ બંધ થઇ જશે, મારો ખેલ ખતમ થઇ જશે. સર, હું ગાંડાની ઍક્ટિંગ કરું છું, ગાંડો જ રહેવા દો.”

http://www.crthakrar.com

Advertisements

Leave a Reply