CURRENT TOPIC

વિશ્વ માતૃભાષા ગૌરવ દિન

ઈ. સ. ૨૦૦૦ની સાલથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા ગૌરવ’ દિનની ઉજવણી કરવામાં આવે છે તેની ખબર ઘણાને હશે, પણ આ ઉજવણી શા માટે ૨૧મી ફેબ્રુઆરીએ જ કરવામાં આવે છે તેની ખબર બહુ ઓછા લોકોને હશે.

ઈ. સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા ‘યુનેસ્કો’ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે હવેથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીની ઉજવણી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે કરવી. આ ઠરાવના અમલરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો ઈ. સ. ૨૦૦૦ની સાલથી ‘વિશ્વ માતૃભાષા દિન’ ની ઉજવણી કરતા આવ્યા છે. આ ઉજવણીના મૂળમાં ઈ.સ. ૧૯૫૨ની ૨૧મી ફેબ્રુઆરીએ ભારતના પડોશી બાંગલાદેશમાં બનેલી એક ઘટના છે. આ ઘટનામાં ચાર યુવાનો માતૃભાષા માટે લડતાં શહીદ થઈ ગયા હતા.

ઈ. સ. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન આઝાદ થયા ત્યારે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. પશ્ચિમ પાકિસ્તાનની મુખ્ય ભાષા ઉર્દૂ હતી તો પૂર્વ પાકિસ્તાનની મુખ્ય ભાષા બંગાળી હતી. પાકિસ્તાનના લગભગ બધા મુખ્ય શાસકો પશ્ચિમ પાકિસ્તાનમાંથી આવતા હોવાથી તેમણે સરકારી કામકાજની ભાષા તરીકે પૂર્વ પાકિસ્તાન ઉપર પણ ઉર્દૂ ભાષા ઠોકી બેસાડી હતી. પૂર્વ પાકિસ્તાનની પ્રજાએ આ દાદાગીરીનો વિરોધ કર્યો હતો અને બંગાળીને સત્તાવાર ભાષા બનાવવા ઉગ્ર આંદોલન છેડી દીધું હતું. આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર ઢાકાની યુનિવર્સિટી બની ગઈ હતી. ઈ. સ. ૧૯૫૨ની ૨૧મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનની પોલીસે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓની શહાદત પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને પાકિસ્તાનની સરકારને બંગાળીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ફરજ પડી હતી.

ઈ. સ. ૧૯૭૧માં બાંગલાદેશને આઝાદી મળી, તે પછી તો આ દેશની સત્તાવાર ભાષા જ બંગાળી બની ગઈ હતી. ઢાકા યુનિવર્સિટીમાં જે સ્થળે આ ચાર યુવાનો શહીદ થયા હતા ત્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે અને બાંગલાદેશની પ્રજા આ દિવસને ‘શહીદદિન’ તરીકે ઊજવતી આવી છે. -- સુપાર્શ્વ મહેતા

*******

આજના દિવસે માતૃભાષા વિષે પાયલ ઉનડકટ દ્વારા લખેલી એક રચના :

માતઉદરે રગરગમાં ભળી માતૃભાષા,
ગળથૂથીમાં પણ ચગળી માતૃભાષા,

જનનીના હેતભર્યા હાલરડાં મહિ,
પારણિયે પોઢંતા સાંભળી માતૃભાષા,

જનકની આંગળી ઝાલી ચાલતાં,
શાળાના પગથિયે પખાળી માતૃભાષા,

મુજ હ્રદયે જ્ઞાનદીપ જલાવીને,
ગુરૂએ મુજમાં ઓગાળી માતૃભાષા,

વિજ્ઞાન ભણતાં; અંગ્રેજી બોલતાં;
જાતમાં મારી મેં સંભાળી માતૃભાષા.

-પાયલ ઉનડકટ 

Advertisements

Leave a Reply