Asim Bakshi

કાંચના બટન

ટૂંકી વાર્તા : “કાંચના બટન”

મુકુન્દરાય સુખી સંપન્ન હતા. તેમને બે દીકરા નામે પ્રેમાળ અને પ્રશાંત અને દીકરી પૂજા; ત્રણેય ના લગ્ન થઇ ગયા હતા અને તમામ સુખી હતા. પરંતુ કોઈ શુભ પ્રસંગે મુકુન્દરાય પોતાની દીકરી ને કોઈ ગિફ્ટ યા વહેવાર કરે તે બંને દીકરાને ખૂંચે. મુકુન્દરાય મન માં દુઃખી થાય પણ કહે તો કોને કહે? સાવિત્રી એમની પત્ની બે વરસ પેહલા જ સ્વર્ગલોક સિધાવી ગયા હતા. દીકરીને પણ આ બાબત ની જાણ નહિ કરતા.

એક દિવસ મુકુન્દરાયે બંને દીકરા ને બોલાવી ને કહ્યું કે “આ મારું વીલ યાને વસિયતનામું છે બંને વાંચી લો.”

બંને દીકરાઓએ વીલ વાંચ્યું જેમાં તમામ પ્રોપર્ટી શેર ઝવેરાત બંને દીકરાને સરખે ભાગે આપ્યા હતા અને દીકરી ને પાંચ કાંચ ના બટન આપવાનું ફરમાન કર્યું હતું. બંને દીકરાઓ ખુબ ખુશ થયા. કાકા એ કહ્યું ચાલો આ વીલ રજીસ્ટર કરાવી આવીએ. મુકુન્દરાય ફટાફટ તૈય્યાર થઇ ગયા અને પોતાની કફની ઉપર પેલા પાંચ કાંચ ના બટન ભરાવી દીધા.

મુકુન્દરાય જ્યારે પણ કોઈ શુભ પ્રસંગે બહાર નીકળતા ત્યારે એ બટન લગાવી લેતા. વીલ રજીસ્ટર થઇ ગયું. દીકરીને પણ એની જાણ કરી દીધી. દીકરી ને થોડું આશ્ચર્ય થયું કે “પપ્પા એ મને ફક્ત કાંચ ના બટન જ આપ્યા?” તો પણ કોઈ ફરિયાદ નહિ કરી.

એક-બે વર્ષ પછી મુકુન્દરાય ગુજરી ગયા. બધી વિધિ પૂર્ણ થઇ ગયા પછી બંને ભાઈઓ એ બહેન ને બોલાવી ને પેલા પાંચ કાંચ ના બટન આપ્યા અને એક સીલબંધ કવર આપ્યું અને કહ્યું કે “પપ્પા તારા માટે આપતા ગયા છે.”

પૂજાએ ચુપચાપ કવર અને બટન લઇ લીધા. પૂજા જયારે સાસરે પરત થઇ ત્યારે પોતાના રૂમ માં જઈ ને એને કવર ખોલ્યું જેમાં એક કાગળ હતો જેમાં લખ્યું હતું : “બેટા, આ વાંચતી હશે ત્યારે હું હયાત નહિ હોઉં. તું મારી ખુબજ વાહલી અને કહ્યાગરી દીકરી છે, બાળપણ થી તને મારા કાંચ ના બટન ગમતા હતા તે તને આપ્યા છે. હવે શાંતિ થી વાંચજે, આ બટન કાંચ ના નથી પણ સોલિટેર હીરા છે, આજે એક બટન ની કિંમત આશરે ૨૦ લાખ રૂપિયા હશે. આ બટન મને મારા પપ્પાએ મને આપ્યા હતા. બેટા તેમ છતાં મારાથી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજે. તારા વાહલા પપ્પા.”

પૂજા બેઘડી અવાચક થઇ ગઈ અને પછી રડી પડી અને ગળગળા અવાજે એટલુંજ બોલી શકી ” થેન્ક યુ પપ્પા “

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply