Asim Bakshi

ઊંઘ

ટૂંકી વાર્તા : “ઊંઘ”

રતન શેઠ બાલ્કની માં ઉભા હતા અને સામે લહેરાતો દરિયો દેખાતો હતો. શેઠ વિચારો માં ખોવાઈ ગયા; કેટલા કઠોર દિવસો વિતાવ્યા હતા જુવાની માં. મામાના કહેવાથી ગામ છોડીને મુંબઈ આવી ગયો અને એક કપડાંની દુકાન પર કામે લાગી ગયો હતો, માસિક પગાર ૨૫૦ રૂપિયા. ત્યાં બે વર્ષ નોકરી કરીને કપડાંની દલાલીમાં ઝંપલાવ્યું. નસીબે ખુબ સાથ આપ્યો અને ૫ વર્ષમાં ખાસ્સા રૂપિયા બનાવ્યા.

ત્યારબાદ કાપડ બજારમાં નાની દુકાન ભાડે લઇને કપડાં એક્સપોર્ટ કરવા લાગ્યો. ફરી થી નસીબે સાથ આપ્યો અને તેનું નામ ગાજવા લાગ્યું. તનતોડ મેહનત કરીને મોટા પાયે એક્સપોર્ટ ઈમ્પોર્ટનું કામ શરુ કર્યું અને અઢળક રૂપિયા કમાયો પરંતુ તંદુરસ્તી પર એની અસર થવા લાગી હતી. શુગર બ્લડ પ્રેશર વિગેરે બીમારીઓ લાગી ગઈ હતી.

અચાનક એને પોતાનું ગામ યાદ આવ્યું અને નાનપણ નો મિત્ર રઘુ યાદ આવ્યો. એને તાત્કાલિક તપાસ કરાવી અને રઘુ ને શોધી કાઢ્યો અને તેને મુંબઈ બોલાવ્યો. આજે રઘુ મુંબઈ આવવાનો હતો અને તેની રાહ જોઈ ને શેઠ બાલ્કની માં ઉભા હતા. ગાડી આવી અને એમાંથી રઘુ ઉતર્યો, મજબૂત બાંધો, પાણીદાર આંખો અને સહેજ સફેદ વાળ.

રતન શેઠે જાતે બારણું ખોલી ને એને ભેટી પડ્યા. રઘુ રતન ની જાહોજલાલી જોઈને અંજાઈ ગયો. રતન શેઠે પૂછ્યું “શું હાલ ચાલ છે તારા અને ગામના?”

રઘુએ કહ્યું મારું એક ખેતર છે અને ખેતી કરીને સારું કમાઈ લઉં છું, દીકરો ડોક્ટર છે અને ગામની સરકારી હોસ્પિટલ માં સેવા આપી રહ્યો છે. મને કોઈ વ્યસન નથી કે બીમારી નથી.

રતન શેઠે કહ્યું “ભાઈ રઘુ મારી પાસે બધુજ છે પણ મારો દીકરો અમેરિકા સેટ થઇ ગયો છે; હું અને મારી પત્ની એકબીજા ના પૂરક છીએ. મને બધીજ બીમારીઓ લાગી ગઈ છે અને એકલવાયા જીવન થી કંટાળી ગયો છું.”

રઘુએ કહ્યું “ચાલ એક મહિનો મારી સાથે ગામ ચાલ બધુજ બદલાઈ જશે.”

રતન શેઠ હસી પડ્યા અને કહ્યું “જોયું જાશે ચાલ વાતવાત માં રાત થઇ ગઈ છે થોડી પેટ પૂજા કરી લઈએ.”

શેઠ માટે પરેજી નું ખાવાનું પીરસાયું અને રઘુએ દાબીને પકવાન અને મીઠાઈઓ ઝાપટી. શેઠ એને જોઈ રહ્યા. રઘુ એ કહ્યું “ચાલો બહુ ઊંઘ આવે છે હું તો ડ્રોઈંગ રૂમ ના સોફા પરજ લંબાઈ જાઉં છું.”

શેઠ કઈ બોલે એ પેહલા તો રઘુ ટૂંટિયું વાળીને સોફા પર આડો પડી ગયો અને પાંચ જ સેકન્ડમાં નશ્કોરા બોલાવવા લાગ્યો. રતન શેઠ મલકીને પોતાના રૂમ માં ગયા; ઊંઘ ની બે ગોળીઓ લીધી અને પત્ની ને કહ્યું “બેગ પેક કરો; કાલ થી એક મહિનો આપણે રઘુ સાથે ગામ જઈએ છીએ !!!”

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply