Rita Mekwan

હવે તો એક જ લક્ષ્ય

મગનભાઈ અને દયાબેનનો એક જ દીકરો દીપક. ખુબ જ લાડકો, વિનમ્ર અને લાગણીશીલ. મા બાપના આંખોનો તારો. મગનભાઈ નું એક જ લક્ષ્ય હતું, તેઓ દીપકને એન્જિનીયર બનાવવા માંગતા હતા. ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો દીપક ખુબ જ મહેનત કરતો હતો. અને એ તેજસ્વી પણ હતો. અત્યાર સુધી હમેશા નેવું ટકાની ઉપર જ માર્ક્સ લાવતો હતો.

એક દિવસ અચાનક રાત્રે મગનભાઈને છાતીમાં દુઃખાવો થયો. દીપક વાંચતો જ હતો. પડોશીને બુમ પાડી તરત જ પપ્પાને લઈને હોસ્પિટલ દોડ્યો. રાત્રે ફરજ પરના ડોક્ટર અને નર્સને આવતા મોડું થયું. આવતાની સાથે જ મગનભાઈને પ્રાથમિક સારવાર આપવાને બદલે જરૂરી ના હોય એવી પૂછપરછ કરવા માંડ્યા.

એટલામાં દીપક બોલ્યો , “ પહેલા સારવાર આપો પછી હું બધું જણાવું જ છું.”

ડોકટરે ગુસ્સામાં બબડાટ કરતાં પેશન્ટની સારવાર ચાલુ કરી. એટેક હતો પણ મગનભાઈ બચી ગયા. પંદર દિવસ હોસ્પિટલમાં દીપકે “શ્રવણ” બની સેવા કરી.

જયારે રજા આપવામાં આવી ત્યારે ડોક્ટર પણ બોલ્યા: “મગનભાઈ તમે ખૂબ નસીબદાર છો કે આવો દીકરો મળ્યો.”

મગનભાઈ હર્ષાશ્રુ સાથે બોલ્યા: “હા…એ મારો દીકરો છે. ભણવામાં ખુબ હોશિયાર છે.મારું એક જ લક્ષ્ય છે કે મારો દીકરો એન્જિનીયર બને.”

ત્યાં જ દીપક પપ્પા પાસે જઈ બોલ્યો: “ના પપ્પા હવે હું એન્જીનીયર નહી બનું તમારું લક્ષ્ય પૂરું નહિ કરી શકું. માફ કરજો પપ્પા પણ આ પંદર દિવસમાં મે જે જોયું અને અનુભવ્યું …એ પછી મારું લક્ષ્ય બદલાઈ ગયું છે.”

પછી હોસ્પિટલમાં બધા ડોક્ટર અને નર્સની સામે જોઈ બોલ્યો: “જે પૈસાના પુજારી, લાગણીહીન, દયાહીન ડોકટરો બની બેઠા છે એમના હૃદયનું ઓપન હાર્ટ સર્જરી કરી ત્યાં હું “માણસાઈના દીવા” રોપવા માંગુ છું .” હા…પપ્પા ..મારું લક્ષ્ય હવે એક જ છે કે હું ડોકટર બનીશ..”

-રીટા મેકવાન “પલ’

Advertisements

Categories: Rita Mekwan

Leave a Reply