Asim Bakshi

લોટરી

ટૂંકી વાર્તા : “લોટરી”

આજે ૨૫મી તારીખ; બરાબર ૬ દિવસ બાકી છે હેમંતને ૫ લાખ રૂપિયા પરત કરવાને. કૌશિક હિંચકા પર બેઠો બેઠો વ્યાકુળ મને વિચારતો હતો. હેમંત અને કૌશિક ખાસ મિત્રો હતા; હેમંતના ફર્નિચરના ચાર મોટા શોરૂમ હતા અને એનો ધંધો ધીકતો ચાલતો હતો. કૌશિક એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો અને સામાન્ય સ્થિતિનો હતો.

એની પત્નીના ઈલાજ માં ખુબ દેવું થઇ ગયું હતું એટલે હેમંત પાસેથી એક વર્ષ માટે ૫ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. કૌશિકની આર્થિક સ્થિતિ સારી ના હતી એટલે હેમંતે વગર વ્યાજે પૈસા આપ્યા હતા. ફક્ત ૬ દિવસ બાકી હતા અને કૌશિક મુંઝવણમાં હતો કે કઈ રીતે રૂપિયા ચૂકવી શકીશ?

કૌશિકે વિચાર્યું કે એક કરોડ ની લોટરી લઇ લઉં કદાચ નસીબ સારું હોય તો લોટરી લાગી પણ જાય. આવું વિચારતો બેઠો હતો ત્યાંજ સામે થી હેમંત ને આવતો જોયો, કૌશિક તરતજ બાજુના રૂમમાં ચાલ્યો ગયો અને પત્ની વિભા ને કહ્યું ” હેમંતને કહેજે કે હું બહાર ગયો છું; પછી ફોન પર વાત કરી લઈશ.”

વિભા પણ સમજી ગઈ કે કૌશિક હવે હેમંતથી મોઢું સંતાડે છે પણ એ કઈ બોલી નહિ. હેમંત આવ્યો એટલે વિભાએ બેસવાનું કહ્યું અને પાણી લેવા ગઈ. વિભા પાછી ફરી તો હેમંતે પૂછ્યું “ભાભી કૌશિક ક્યાં છે? ૧૦ દિવસ થી દેખાયો પણ નથી અને છેલ્લા ૨ દિવસ થી ફોન પણ ઉંચકતો નથી; મને એની ચિંતા થઇ એટલે ખબર કાઢવા આવ્યો છું.”

વિભાએ નીચી નજર કરીને કહ્યું “એ બહારગામ ગયા છે; આવશે એટલે તમને મળી જશે.”

હેમંતે ઉભા થતા કહ્યું “સારું ભાભી , પણ એને એક ખુશખબર આપજો કે મારી એક કરોડ ની લોટરી લાગી છે અને એને કેહજો કે પેલા ૫ લાખ રૂપિયા માફ કર્યા છે અને એને હવે પરત કરવાની કોઈ જરૂર નથી.” એમ કહીને હેમંત ચાલ્યો ગયો અને અંદરના રૂમ માં કૌશિક રડતી આંખે સૂનમૂન સોફા પર બેઠો હતો !!!

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply